બાનો પટારો – શું રહસ્ય છે એ પટારાનું કેમ એ વહુઓ ખોલવા માંગે છે તેમનાં સાસુનો એ પટારો…

બાનો પટારો – શું રહસ્ય છે એ પટારાનું કેમ એ વહુઓ ખોલવા માંગે છે તેમનાં સાસુનો એ પટારો…
Spread the love

કપાળમાં મોટો કંકુનો ચાંદલો, ભારે શરીર ને સહેજ ભીનો વાન ને મારા બા જેટલા લાંબા વાળ કોઈના નહી આખા ગામમાં. બા આમ તો બહુ પ્રેમાળ…કોઈ પર ક્યારેય ગુસ્સો પણ ન કરે…બીજા બધાના બા કરતા મારા બા એકદમ શાન્ત પ્રકૃતિના.

પાંચ પાંચ વહુઓની સાસુ ને દસ દસ દીકરાની દાદી બની ચૂકેલા બા લાગે સાવ નાના. કોઈન કહે કે બાને પાંચ વહુઓ હશે.

બા અને બાપુજીનું જીવન એકદમ સાદું. એમનું આખું જીવન કુટુંબને જ સમર્પિત કરી દીધું હતું. બાની પાંચ પાંચ નણંદો, નણંદોઈઓ અને પાંચેય નણંદોનાં ભાણીયાઓનાં પ્રિય મામી એટલે મારા બા. વેકેશન પડે એટલે એમની દીકરીઓ અને નણંદનાં દીકરા દીકરીઓથી આખું ઘર ગાજી ઉઠે.

કોઈ પ્રત્યે ભેદભાવ નહી..બા બાપુજીનું વર્તન બધા પ્રત્યે એક જ સરખું રહે. આખું વેકેશન બધા ભેગા મળીને જલ્સા જ જલ્સા કરે.

સવારે જેવી ગાય દોહીને ભરવાડ ઘરે જાય કે તરત જ મોટા મોટા વાટકા ભરીને દૂધ ને ગરમા ગરમ ભાખરીનો બધાને નાસ્તો કરાવી લે… બધા જ છોકરાઓને તૈયાર કરીને રોજ મંદિર લઇ જવાના. ત્યાં સુધીમાં બધી જ વહુઓ ઘરનું બધું જ કામ આટોપી લે. રોજ રોજ ચાલીસ, પાંત્રીસ જણાની રસોઈ બને બાના રસોડે. બાની વહુઓ પણ બા જેવી જ..

બાપુજીનો એક નિયમ આખા ગામમાં જે કોઈ ભિક્ષુક માંગવા આવે એ બા-બાપુજીના ઘરે જ જમે. જમાડીને એક જોડી કપડા તો દાનમાં આપે જ..અન્નદાન ને વસ્ત્રદાન કરવું એ બાપુજીનું કર્મ હતું. આખા ગામમાં એક ફોન બાના ઘરે…ક્યારેક અડધી રાત્રે પણ ગામના કોઈનો ફોન આવે તો બા- બાપુજીના દીકરા અડધી રાતે સમાચાર આપવા જાય. બા-બાપુજી જેવા જ સંસ્કાર બાના પાંચેય દીકરાઓમાં.

ક્યારેય કોઈને નડવું નહી…ને જીવન સાદું જીવવું બસ….આ જ એમની જિંદગી.ધીરે ધીરે દીકરાઓને સરકારી નોકરીઓ મળતી ગઈ એમ બા-બાપુજીના માળામાંથી એક એક પંખી ઉડવા લાગ્યું..મોટા દીકરાને ભાવનગર નોકરી મળતા એ ભાવનગર પોતાના પરિવાર સાથે રહેવા જતા રહ્યા. નાનો દીકરો ને વહુ જૂનાગઢ ને વચેટ દીકરો મોરબી ..આવી રીતે બાનું ગાજતું ઘર હવે બાને સૂનું સૂનું લાગવા લાગ્યું.

એક દીકરો ગામમાં જ આવેલ બીજા ઘરે એના પરિવાર સાથે રહેવા જતા રહ્યા….હવે રહ્યો સૌથી નાનો દીકરો ને એનો પરિવાર બસ ઘરમાં રહ્યા ચાર જ વ્યક્તિ.

ચાલીસ ચાલીસ માણસો વચ્ચે રહેવા ટેવાયેલા બા- બાપુજીની છેલ્લી અવસ્થામાં એકલા પડી ગયા.

નાની વહુથી કામ થતું ન હોવાથી ગાય પણ પેલા ભરવાડને બાપુજીએ આપી દીધી. ને જે દાન પુણ્ય કરતા એ પણ વહુએઅને દીકરાએ બંધ કરાવી દીધું… ભિક્ષુકોને જમાડવાનો નિત્ય ક્રમ તૂટી ગયો… બા- બાપુજી દુખી દુખી રહેવા લાગ્યા.બાપુજી તો ઘરની બહાર જ રહેવા લાગ્યા. હવે રહ્યા બિચારા બા… એ રોજ ઘરમાં ને ઘરમાં એકલા એકલા કંટાળે…હવે નથી બા મંદિરે જતા…કે નથી કોઈ સાથે બોલતા…. આખો દિવસ ગૂમસૂમ રહેવા લાગ્યા.

રોજ બપોર પડે ને બા રૂમ બંધ કરીને એમનો પટારો ખોલે… આ બાનું વર્તન નાની વહુને અજીબ લાગ્યું.

નાની વહુ બાને શંકાની નજરે જોવા લાગી… નાની વહુને થયું કે બા પટારામાં રોજ પૈસા ને સોનું ભેગું કરે છે… આ જ વહેમના હિસાબે નાની વહુ દિવસે ને દિવસે બાથી દૂર દૂર રહેલા લાગી. વાતવાતમાં બા સાથે લડાઈ પણ કરી લેતી.

બાની દીકરીઓ આવે તો બા એમની દીકરીઓ સાથે એ જ રૂમમાં જાય ને રૂમ બંધ કરીને પટારો ખોલે. વહુને તો હવે વહેમ પાક્કો થયો કે નક્કી બા બધું ભેગું કરીને દીકરીઓને જ આપે છે.

ધીરે ધીરે આ વાત બીજી વહુઓ સુધી પહોંચી. પાંચેય વહુઓ એક થઈને બાને પટારાનું રહસ્ય પૂછ્યું… પણ બાએ કોઈ જ જવાબ આપ્યો નહી… બા એકદમ મૌન જ રહ્યા… ન બા બોલ્યા કે ન બાની દીકરીઓ.

આમ કરતા કરતા બે ત્રણ વર્ષો વીતી ગયા… પણ બાના પટારાનું રહસ્ય હજી અકબંધ જ રહ્યું.એક દિવસ દિવાળીના બધા જ છોકરાઓ ને વહુઓ બાના ઘરે ભેગા થયા… આ વખતે કોઈ જ વહુ બાને પ્રેમથી નહોતી બોલાવતી… ન બા સાથે પ્રેમથી વાત કરે કે ન પોતાના દીકરા દીકરીઓને બા સાથે બેસવા દે..

વાતે વાતે મ્હેણાં જ મારે કે , “ તારા બાને ક્યા દીકરાઓની પડી છે. એમને તો બસ એમની દીકરીઓ જ વ્હાલી લાગે… એટલે તો બધું ભેગું કરીને પટારામાં સંઘરો કરે છે ને દીકરીઓ આવે એટલે પટારો ખોલી બધું દીકરીઓને જ આપી દે છે… દીકરાના ઘર ખાલી કરીને જમાઈના ઘર ભરે છે.

એક વહુ બોલે તો બાથી સહન થાય પણ પાંચે પાંચ વહુઓઓએ આવા મ્હેણાં મારી બાને દુખ પહોચાડ્યું.

બા તો આ આઘાત ને મ્હેણાં ટોણા સહન ન કરી શક્યા. બાનું બ્લડપ્રેશર એકદમ હાઈ થઇ ગયું… બાને પેરેલિસિસ થઇ ગયું… આખું ડાબું અંગ ખોટું પડી ગયું. ચાલીસ દિવસ બાને હોસ્પીટલમાં એડ્મિટ રહેવું પડ્યું.

પણ પાંચેય વહુઓને તો બાની તબિયત કરતા પટારાની જ પડી હતી… બા હોસ્પિટલમાં હતા. ઘરે કોઈ જ હતું નહી. એનો ફાયદો ઉઠાવી બધી વહુઓએ તોડ્યું પટારાનું તાળું…

પટારો આંખો વસ્તુઓથી ઠસાઠસ ભરેલો. ક્યાંય જગ્યા નહી. આ જોઇને સૌથી નાની વહુ બોલી, જોયું ભાભી, હું કહેતી હતી એ સાચું ને ? બાએ કેટલી વસ્તુ ભેગી કરી છે.”

“હા, હો બાતો છૂપા રુસ્તમ નીકળ્યા… પોતાના સગા દીકરા વહુઓ સાથે પણ આવો ભેદભાવ ? મેં તો બાને ક્યારેય આવા નહોતા ધાર્યા “ મોઢું બગાડી મોટી વહુ બોલી…એક પછી એક વસ્તુઓ હટાવી જોતા ગયા…એક એક વસ્તુ જોઇને બધી જ વહુઓની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતો ગયો.

એક એક વસ્તુ પર બાએ ચિઠ્ઠી લગાવી હતી. આ મારો મોટો દીકરો જન્મ્યો ત્યારે એને પહેલીવાર પહેરાવેલ લંગોટ…. આ કપડા મારી દીકરીના એને મારા બાએ લઈ આપ્યા હતા જ્યારે એ એક મહિનાની હતી ત્યારે….

આ ધૂઘરો મારા નાના દીકરાનો….એને આ ઘૂઘરો બહુ ગમતો એટલે મેં સાચવી રાખ્યો છે… એ જ્યારે ન હોય મારી પાસે ત્યારે હું આ ઘૂઘરો જોઇને એનું બાળપણ તાજું કરી શકું.. એના બાળપણને હું માણી શકું..

આ મારા વચેટ દીકરાને ગમતી ઢીંગલી… એ આ ઢીંગલી વગર સુતો જ નહી…

આ મારા દીકરાની વહુઓઓ મને એમના આણાંમાંથી આપેલ સાડી…. મેં હજી નથી પહેરી… સાચવી એટલે કે એમની આપેલી પહેલી ભેટને હું હંમેશા નવી જ રાખું.

આટલી સિંદૂરની ખાલી ડબ્બીઓ આ બધી જ સિંદૂરની ડબ્બી એના બાપુજી મારા માટે અંબાજીથી લાવ્યા હતા…. ખાસ મારા માટે… ભલે સિંદૂર વપરાઈ ગયું પણ એમનો પ્રેમ આ ખાલી ડબ્બીને જોવું તો મને તાજો થાય છે.

ધીરે ધીરે એક એક વહુ બાના પટારા પાસેથી ઉભી થઇ ગઈ… માથી વિશેષ સાસુમાને એ સમજી ન શક્યા… આપણે બા સાથે સંબંધો મૂકતા ગયા ને બા બધા જ સંબંધો પટારામાં સાચવતા ગયા.

બા એમના એકેય દીકરા વગર નહોતા રહી શકતા છતાં બા રહ્યા કોના માટે ? આપણી માટે જ તો… કે આપણે એમના દીકરાઓ સાથે આપણું જીવન ખુશી ખુશી વિતાવી શકીએ.

ભગવાન જેવો આત્મા આપણા ઘરે છે ને આપણે મૂર્તિની પૂજા કરીએ છીએ.

બધી વહુઓ એકબીજાને પોતાની ભૂલો ને બાની લાગણીઓ કહીને ખૂબ રડી… પછી બધાને સમજાયું કે બા તો અભણ હતા… એમની દીકરીઓને વસ્તુ આપતા નહી પણ આ બાની ભેગી કરેલી વસ્તુઓ પર યાદી રૂપે કપડા કે વસ્તુ પર બા જેમ બોલે એમ કાગળ લખી લખીને ચીપકાવતા.

વહુઓ બધી જ સમજદાર હતી… બધું સમજી ગઈ.

બધી જ વહુઓએ નક્કી કર્યું કે હવે બા જેટલી જીવે તેટલું આપણે બધા સાથે રહેશું…. બાને કાગળપર સંબંધો નહી લખવા દઈએ. બાતો આપણી મા જ બન્યા છે… હવે આપણે એમની દીકરીઓ બનશું..

બાની પાંચેય દીકરીઓ હોસ્પિટલથી બાને ઘરે ક્યારે લાવે એની રાહ જોવા લાગી..
પણ અફસોસ …

ઘરે આવી સીધી આવી શબવાહિની!!

|| અસ્તુ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

ઓહ આવું જ થાય છે જયારે આપણને તે વ્યક્તિની કિંમત સમજાય ત્યારે એ વ્યક્તિ આપણાથી બહુ દૂર ચાલી જાય છે,

Admin

Admin

9909969099
Right Click Disabled!