‘હવે ના કોઈ ચિંતા, ના કોઈ ડર, ધન્વંતરિ રથ કરશે તમારી ફિકર’

  • ધન્વંતરિ રથ મોબાઇલ યુનિટ જનસુખાકારી માટે બની રહ્યું છે અસરકારક
  • અમદાવાદના અસારવા વોર્ડમાં કાર્યરત્ ‘ધન્વંતરિરથ’ દ્વારા  ચાર દિવસમાં 400થી વધારે દર્દીને તબીબી સારવાર અપાઈ

ગાંધીનગર,
રાજ્યના નાગરિકોના આરોગ્ય અને વર્તમાન કોરોના સામે લડવાના જંગમાં રાજ્ય સરકાર દ્વારા સતત આરોગ્યલક્ષી પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં GVK EMRI 108 દ્વારા નાગરિકોને આરોગ્યપ્રદ સેવાઓ આપવા માટેના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયાસ એટલે ધન્વંતરિ રથ.

ધન્વંતરિ રથ એક એવું મોબાઈલ હેલ્થ યુનિટ છે, જેમાં એક ડૉક્ટર, એક લેબ આસિસ્ટન્ટ એક ફાર્માસિસ્ટ સહિત પાંચ આરોગ્યકર્મીઓનો સ્ટાફ દર્દીઓની સારવાર માટે ઉપસ્થિત હોય છે. આ મોબાઇલ યુનિટના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારમાં જઈને દર્દીઓને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વર્તમાન સંજોગોમાં લોકો હોસ્પિટલ સુધી જવાનું ટાળતા હોય છે, ત્યારે આ ધન્વંતરિરથ તેમની સુખાકારીમાં વધારો કરી રહ્યો છે.

આ મોબાઇલ યુનિટ દ્વારા દર્દીઓને શરીરમાં દુખાવો થવો, તાવ આવવો, પેટમાં બળતરા થવાની સાથે સાથે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ સાથેની સારવાર ‘ધન્વંતરિરથ’ના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી માટે કાર્યરત ધન્વંતરિ રથ અનેક નાગરિકોને તેમની સ્વસ્થતા જાળવવામાં મદદરૂપ બની રહ્યો છે. માત્ર અમદાવાદના અસારવા વોર્ડમાં કાર્યરત્ એક જ મોબાઇલ યુનિટની વાત કરીએ, તો આ યુનિટ દ્વારા છેલ્લા ચાર દિવસમાં 400થી વધુ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

અમદાવાદમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કલાપીનગરના શૈલેષભાઈ મકવાણા સ્વાનુભવો વર્ણવતા કહે છે કે, ‘શરીરમાં દુખાવો થતાં અને અશક્તિ જેવું લાગતા મેં ધન્વંતરિરથમાં પ્રાથમિક તપાસ કરાવી હતી. અહીંથી આપવામાં આવેલી સલાહ મુજબ આયુર્વેદિક ગોળીઓ લીધા બાદ હાલ શરીરનો દુખાવો ખૂબ જ ઓછો થયો છે તેમજ શરીરમાં નવી સ્ફૂર્તિ વર્તાઈ રહી છે. ખરેખર, ધન્વંતરિરથ અમારા માટે ખૂબ ઉપયોગી બન્યો છે. અમને ઘરબેઠાં જ તમામ સારવાર મળી રહે છે.’

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!