ભાજપ સરકારને 25 વર્ષે બ્રહ્મજ્ઞાન લાધ્યું – ચેકપોસ્ટ પર હપ્તારાજ…!

ભાજપ સરકારને 25 વર્ષે બ્રહ્મજ્ઞાન લાધ્યું – ચેકપોસ્ટ પર હપ્તારાજ…!

ભાજપ સરકાર સામે જ્યારે જ્યારે વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આરોપો થયા ત્યારે ત્યારે છેલ્લાં 24 વર્ષમાં કેશુભાઇ પટેલ, સુરેશમહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વર્તમાન સીએમ વિજય રૂપાણી દ્વારા તેનો ઇન્કાર કરીને પારદર્શક સરકાર- સંવેદનશીલ સરકાર-ગતિશિલ સરકારના ગાણાં ગાવામાં આવ્યાં પરંતુ આજે ગુજરાતના 16 આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાના નિર્ણય પાછળ આ ચેકપોસ્ટમાં ચાલતી નાણાંકિય લેતીદેતી-હપ્તારાજ હોવાનું જાહેરમાં પત્રકાર પરિષદમાં સ્વીકારીને રૂપાણીએ આવા ચેકપોસ્ટના ભોગ બનેલા ટ્રકપરિવહનચાલકો-સામાન્ય લોકોની એ ફરિયાદને પણ અનુમોદન આપ્યું કે આ ચેકપોસ્ટો પર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે સરકાર કંઇક કરે….! રૂપાણી સરકારે ડીજીટલ પેમેન્ટને વેગ આપવા પણ આ તમામ ચેકપોસ્ટોને બંધ કરવાની જાહેરાત કરી છે.

જો કે ફલાઇંગ સ્કવોર્ડ ના નામે ક્યાંક એવુ ના થાય કે ઉલમાં નિકળીને ચૂલમાં ભરાઈ જાય…! ગુજરાતના સીમાડે ચારેબાજુ આરટીઓ ચેકપોસ્ટ આવેલા છે. અમુક ચેકપોસ્ટ પર નોકરી કરવા અધિકારીઓ સચિવાલયમાં કોનો કેવો સંપર્ક કરીને મનગમતી ચેકપોસ્ટ પર મૂકાવા સત્તાના દલાલોના ખિસ્સામાં શું શું મૂકતા હતા તે જગજાહેર છે. 1995માં કેશુભાઇની સરકારે ચેકપોસ્ટ પરના ભ્રષ્ટાચારને રોકવા કેમેરા મૂક્યા અને ગાંધીનગર બેઠા બેઠા જોઇ શકાય કે કેટલી ટ્રકો આવી અને કોણે શું કર્યું. પરંતુ ભ્રષ્ટાચાર યથાવત. બીજા મુખ્યમંત્રી આવ્યા, ત્રીજા મુખ્યમંત્રી આવ્યાં,પણ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર વાયબ્રન્ટ રીતે બેરોકટોક રીતે ચાલતો હતો…!

ઓવરલોડ ટ્રકોના ચાલકો અને ટ્રક સંચાલકો સાથે લેતીદેતી. અમુક નિશાની વાળી ટ્રકોની કોઇ ચેકિંગ નહીં. બારોબાર હિસાબ થઇ જાય. પડોશી રાજ્યોમાંથી લવાતા ગેરકાયદે દારૂના વાહનોને ચેકપોસ્ટમાંથી સલામત બહાર કઢાવવા શું થતું હતું તે કોઇ છુપુ નથી. કેટલાય અધિકારીઓ પકડાયા તો પણ આરટીઓ ચેકપોસ્ટ પરનો હપ્તારાજ કચ્છડો બારે માસની જેમ બારે માસ ચાલતો હતો. હપ્તા છેક ગાંધીનગર સુધી કોને ત્યાં જતાં હતા તે પણ ઓપન સિક્રેટ સમાન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા છે, સંવેદનશીલ મનના છે, પોતાના મનની નહીં પણ આદેશ આપનાર બીજાના મનની વાત મોકળાશથી વધારે સાંભળે છે.

ઇ-પેમેન્ટ કંપનીઓના કારોબારમાં વધારો કરવા પણ તમામ 16 ચેકપોસ્ટ બંધ….! આરટીઓની રકમ ઓનલાઇનથી ભરવી. ચેકપોસ્ટ પર કોઇ રોકડ રકમ નહીં. અધિકારીઓને એવા સાધનો અપાશે જેમ પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટનની સુવિધા છે તેમ વાહનચાલકો હેન્ડ હેલ્ડ ડિવાઇસથી પેમેન્ટ કરી શકશે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે જીએસટીનો અઢધી રાત્રે ધૂમધડાસાથે અમલ થયો ત્યારે સરકાર ગાઇ વગાડીને કહેતી હતી કે જીએસટી આવ્યાં બાદ કોઇ વેપારી ટેક્સની ચોરી નહીં કરી શકે એવી જડબેસલાક ફુલપ્રુફ વ્યવસ્થા અને કડક નિયમો. અમલ થયા બાદ….?

કેટલાક કરચોરો તો જીએસટીના ય બાપ નિકળ્યા. જડબેસલાક નિયમોમાંથી પણ કર ચોરીના મસ્ત રસ્તા શોધી કાઢ્યા. જીએસટી કરચોરીના કેટલા કેસો ચાલે છે તેના આંકડા કોઇ માંગે તો ખબર પડે. ચેકપોસ્ટ ભલે બંધ થાય અને કોઇ માલવાહક વાહન કે ટ્રકને હવે સીમાડે રોકાવવુ નહીં પડે. કેટલાક ભ્રષ્ટ આચર કી આદત સે મજબૂર અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ પાણીમાંથી પોરા કાઢે તેમ હેન્ડ હેલ્ડ ડિવાઇસમાંથી પણ લાભ નહીં મેળવે એમ કોઇ છાતી ઠોકીને કહેવા છે તૈયાર…?

 

પ્રવિણ ઘમંડે (જી.એન.એસ.)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!